← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળી ને ફૂંક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાંસળી તો કાનાની, ને ફૂંક છે રાધાની,
સૂર કોનો? કોઈ ન જાણે, વાત છે બંનેની.

જમનાને કાંઠે કદંબની ડાળે બેઠો શ્યામ,
હોઠ ઉપર વાંસળી, ને હૈયે રાધા નામ;
છિદ્રે છિદ્રે ઝૂરે એક ગોકુળની ગોરી, છાનાની…
સૂર કોનો? કોઈ ન જાણે…

ગાયો ઊભી કાન માંડી, મોર થંભ્યા ટહુકાર,
જમના થઈ ગઈ સ્થિર, ને વાયુ ભૂલ્યો પોતાનો ભાર;
વાંસ બિચારો પૂછે: ‘આ પીડા કોની, મારી કે શ્યામની?’
સૂર કોનો? કોઈ ન જાણે…

પરાગ કહે: આ પ્રેમ છે એવો, જ્યાં હું-તું ઓગળે,
વાંસળીમાંથી રાધા વહે, ને શ્યામ શ્વાસે ભળે;
એક જ સૂરમાં બે જણ ગૂંથ્યાં, એ લીલા છે ભગવાનની…
વાંસળી તો કાનાની, ને ફૂંક છે રાધાની.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધુળેટીઆગલો લેખ →બોલાવી શકું