← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૅલેન્ડરનો હિસાબ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડિસેમ્બરની છેલ્લી રાતે
દીવાલ પરના કૅલેન્ડરે
છેલ્લું પાનું ફફડાવીને પૂછ્યું:
‘મેં તને બાર મહિના આપ્યા,
તેં મને શું આપ્યું?’

મેં આંગળીના વેઢે ગણી બતાવ્યું —
ત્રણ જન્મદિવસની કેક,
બે સ્મશાનયાત્રા,
એક ખોવાયેલી નોકરી,
એક જડેલો મિત્ર,
અને અસંખ્ય સવારો
જે મેં એલાર્મના હાથમાં
ગીરવે મૂકી દીધી હતી.

કૅલેન્ડર હસ્યું,
ખીલી પરથી ઊતરી ગયું,
ને જતાં જતાં બોલ્યું:
‘નવું આવે છે,
એ પણ આ જ ખીલીએ લટકશે.
દોસ્ત, ખીલી બદલી જો —
પાનાં તો દર વર્ષે બદલાય છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભારે પડેઆગલો લેખ →જે પકડાય છે