જૂનું ઘર
જૂનું ઘર વેચાઈ ગયું.
દસ્તાવેજ પર
સહી કરતી વખતે
પેન
થોડી અટકી હતી.
નવા માલિકે
આંગણાનો લીમડો
કાપી નાખ્યો,
‘પાર્કિંગ જોઈએ,’ કહીને.
હવે ત્યાં
એક ગાડી ઊભી રહે છે,
ને ગાડીની છત પર
દર ઉનાળે
લીમડાનાં મ્હોર
ક્યાંકથી આવીને
ખરી પડે છે.
ડ્રાઇવર
રોજ સવારે
કપડાથી લૂછી નાખે છે.
એને ખબર નથી,
એ મ્હોર નથી,
પત્રો છે —
જે લીમડો
પોતાની જૂની જગ્યાએ
હજી મોકલ્યા કરે છે.
– પરાગ રતનપરા