ચપટી મીઠું
એક ડોસો
લાકડી લઈને
દરિયા તરફ ચાલ્યો.
પાછળ
થોડા લોકો,
પછી ગામ,
પછી આખો દેશ.
દરિયે પહોંચીને
એણે
ચપટી મીઠું ઉપાડ્યું —
માત્ર ચપટી.
એ ચપટીમાં
એક સામ્રાજ્યનો
સૂરજ
ઓગળી ગયો.
આજે
મારા રસોડામાં
મીઠાનો ડબ્બો છે,
ભાવ છે, બ્રાન્ડ છે,
‘આયોડાઇઝ્ડ’ લખેલું છે.
દાળમાં
ચપટી નાખતાં
ક્યારેક હાથ થંભી જાય છે —
આ ચપટીનું
વજન
કોઈએ કદી માપ્યું છે?
– પરાગ રતનપરા