જૂની ડાયરી
માળિયું સાફ કરતાં
એક જૂની ડાયરી મળી.
પહેલે પાને લખ્યું હતું:
‘મોટો થઈને કવિ બનીશ.’
બીજે પાને:
‘એ આજે બસમાં મારી બાજુમાં બેઠી.’
ત્રીજે પાને:
દૂધનો હિસાબ.
પછીનાં બધાં પાનાં —
લોનના હપ્તા,
સ્કૂલની ફી,
દવાનાં બિલ.
છેલ્લે પાને
કોરી જગ્યા હતી.
મેં પેન ઉપાડી
ને લખ્યું:
‘હજી મોડું નથી થયું.’
– પરાગ રતનપરા