જોઈ છે
મખમલી ગાદી ઉપરની મેં અમીરી જોઈ છે,
ઠીબ ફૂટી ગઈ છતાં એમાં ફકીરી જોઈ છે.
જે ગયા’તા યુદ્ધમાં, ગામે ફરી આવ્યા નહીં,
પાળિયાના પથ્થરે મેં રાહ ઊભી જોઈ છે.
લગ્નમાં નાચ્યા બધા ને ઢોલ પણ વાગ્યા ઘણા,
બાપની આંખે વિદાયે મેં ઉદાસી જોઈ છે.
તાપમાં બળતા, છતાં હસતા સદા ખેડૂ મહીં,
આભની સામે અડીખમ એ ખુમારી જોઈ છે.
બાગ ઉજડે, ફૂલ પણ કરમાય, તોયે આ પરાગ,
મેં હવાના અશ્વ પર એની સવારી જોઈ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનદર્શન #અમીરીફકીરી #ખેડૂત #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeSeen #RichAndPoor #Farmer #Father #ParagRatanpara