← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જંગલમાં બૂમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં જંગલમાં જઈને
બૂમ પાડી —
એટલી મોટી
કે વૃક્ષોનાં પાંદડાં ધ્રૂજી ઊઠ્યાં.

પડઘો પાછો આવ્યો:
મારો જ અવાજ,
થોડો થાકેલો, થોડો ઘરડો.

‘કોઈએ સાંભળ્યું નહીં’ —
એમ મન મનાવી
હું પાછો વળતો હતો
ત્યાં
કુહાડીથી બચી ગયેલી
એક સુક્કી ડાળ પરથી
એક પંખી
ધીમેથી બોલ્યું:
‘આ તો અમારી રોજની બૂમ છે,
તેં આજે પહેલી વાર પાડી.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખથડ પર કોતરેલું નામઆગલો લેખ →આવશે ક્યારેક તો