← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડુંગરેથી દડતું ઝરણું ખળખળ ખળખળ બોલે,
પથ્થર સાથે વાતો કરતું, ગાંઠ હૃદયની ખોલે.

કહે: ‘ભાઈ પથ્થર, આમ તો અડીખમ ઊભો ભારે,
પણ તને ય હું ઘસી ઘસીને ઘાટ દઈશ આકારે’;
નરમ પાણી કઠણ પથ્થરને ધીમે ધીમે છોલે…
ડુંગરેથી…

રસ્તે મળ્યાં ઝાડ ને પંખી, ગાયો તરસી આવી,
સૌને પાયું, કોઈને ના પૂછ્યું: ‘ક્યાંથી આવી?’
આપે, ને આગળ વહી જાયે, એને કોણ તોલે?
ડુંગરેથી…

પરાગ કહે: હું ય ઝરણાં જેવો, વહેતો રહું મસ્તીમાં,
ના રોકાઉં કોઈ ઘાટે, ના બંધાઉં વસ્તીમાં;
દરિયો મળશે ત્યારે મળશે, આજ તો ગીતે ડોલે…
ડુંગરેથી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખખેડૂત છેઆગલો લેખ →ગઝલનો વર્ગ