← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરમર નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝરમર ઝરમર ક્યાં લગ વરસીશ? વાદળ થઈને આવ,
આખું આંગણું તરબોળ કરી દે, એવો આજે ભાવ.

થોડું થોડું હસવું તારું, થોડી થોડી વાત,
થોડે થોડે ટીપે ભીંજે ક્યાં આખી આ રાત?
એક વાર તો નદી બનીને મારે કાંઠે આવ…
ઝરમર ઝરમર…

ઓઢણીના છેડેથી થોડું, આંખેથી થોડું ઝરે,
મારી તરસ તો દરિયા જેવી, ટીપાંથી ક્યાં ઠરે?
લાજ-શરમના બંધ તોડીને પૂર બનીને આવ…
ઝરમર ઝરમર…

પરાગ કહે: ઝાકળ જેવો પ્રેમ સવારે ઊડે,
મેહુલિયો જો મુશળ વરસે, ધરતી આખી બૂડે;
બૂડવાનું પણ સુખ છે, સાજન, ડુબાડવા તું આવ…
ઝરમર ઝરમર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલખાયુંઆગલો લેખ →ચોપાટ