ઝાંખો થયો
ઉંમરે ધીમે રહીને દર્પણે ઝાંખો થયો,
ઘર જ મારું, પણ હવે હું આંગણે ઝાંખો થયો.
નામ મારું કોતરેલું પાટિયે વર્ષો લગી,
ધૂળ ચડતાં, રંગ જાતાં, બારણે ઝાંખો થયો.
પૌત્ર આલ્બમ જોઈ પૂછે: કોણ છે આ ડોસલો?
જીવતો છું, તોય એની પાંપણે ઝાંખો થયો.
શીતમાં મારી કથા સૌ સાંભળે ટોળે વળી,
આજ મારી વારતાના તાપણે ઝાંખો થયો.
આ પરાગે જાત બાળી, શબ્દને દીવો કરી,
તોય એ દીવો ય પૂરા ચાંદણે ઝાંખો થયો.
– પરાગ રતનપરા
#ગઝલ #વૃદ્ધાવસ્થા #સમય #સ્મૃતિ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #FadingAway #PassageOfTime #Loneliness #ParagRatanpara