← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાલર ટાણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીએ ઊભી’તી હું તો ઝાલર સાંભળવા,
ને સામી શેરીએથી સાયબો નીકળ્યો રે.

હાથમાં દીવો ને ઝીણી આરતીની ઝાંય,
એણે જોયું, ને મારી દીવેટ ધ્રૂજી જાય;
મંદિરની ઘંટડી તો વાગતી રહી, ને મારો જીવ ક્યાંક ભટક્યો રે…
ઓસરીએ ઊભી’તી…

માએ પૂછ્યું: ‘ક્યાં ખોવાણી? પરસાદ લેતી જા,’
મેં કહ્યું: ‘આ તો પવન વાયો, દીવો ના રે બુઝા’;
પરસાદ લેવા હાથ ધર્યો ત્યાં હૈયું મારું અટક્યું રે…
ઓસરીએ ઊભી’તી…

પરાગ કહે: ઝાલર વાગે ને મનડે વાગે ઢોલ,
ઈશ્વર પણ સમજી ગ્યો રે આ પ્રીતના સઘળા બોલ;
આરતીના અજવાળે એનું રૂપ ઝગમગ ઝળક્યું રે…
ઓસરીએ ઊભી’તી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવેશઆગલો લેખ →ટાઈ