વેશ
રોજ બદલે રંગ, ને રોજે નવો આ વેશ છે,
આયનો પણ પૂછતો: ‘આ કોણ? શું પરિવેશ છે?’
આસનો સોનાં તણાં ને ઓરડા ઠંડા બધા,
મંચ પર ભગવાં ધરીને ત્યાગનો ઉપદેશ છે.
ચૂંટણી ટાણે ગરીબોને ય ભેટી જાય એ,
વોટ લેવા હાથ જોડે, ને પછી આદેશ છે.
નામ મોટા અક્ષરે તકતી ઉપર છે દેવળે,
ને ગરીબો કાજ કેવળ ધૈર્યનો સંદેશ છે.
કોણ અસલી, કોણ નકલી, કેમ જાણે આ ‘પરાગ’?
આજ કાંટાના શરીરે ફૂલનો ગણવેશ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #દંભ #મુખવટા #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hypocrisy #Masks #SocialSatire #FakePiety #ParagRatanpara