ઝાકળ
પરોઢે
ઘાસની એક પાંદડી પર
ઝાકળનું ટીપું બેઠું છે —
આખો સૂરજ
પોતાનામાં ઝીલીને.
એક છોકરો દોડતો આવે,
પગ મૂકે,
ટીપું ફૂટી જાય.
એને ખબર પણ નથી પડતી
કે એણે
એક સૂરજ કચડ્યો.
હું પણ
રોજ સવારે
ઉતાવળમાં દોડું છું —
ઑફિસ, બસ, મીટિંગ.
ખબર નહીં
મારા પગ નીચે
કેટલા સૂરજ
ફૂટી ગયા હશે,
જે મારી રાહ જોઈને
ઘાસ પર બેઠા હતા.
– પરાગ રતનપરા