ઝાડની ઑફિસ
વડલે ખોલી ઑફિસ, એમાં ઘુવડ થયા સાહેબ,
ચકલી ઊભી અરજી લઈને, ‘માળો બાંધવો છે, જનાબ!’
‘તણખલાંની ગણતરી આપો, પીંછાંની લાવો રસીદ,
માળાનો નકશો, ડાળીનો દાખલો, ને પવનની તાકીદ;
સાથે સોગંદનામું જોડો, પછી થાશે હિસાબ!’
ચકલી બોલી: ‘ઈંડાં તો આવી ગયાં, હવે દ્યો જવાબ!’
વડલે ખોલી ઑફિસ…
ખિસકોલી બોલી, ‘ચાલ, બહેન, તને બતાવું રસ્તો,
કાગડા ભાઈને બે દાણા આપ, પછી તો સઘળું સસ્તું;’
કાગડે ફાઈલ ઉપર મૂક્યો સહીનો એક કાંકરો,
રાતોરાત મંજૂર થયો ચકલીનો માળો-ખ્વાબ!
વડલે ખોલી ઑફિસ…
પરાગ કહે: આ જંગલની વાત ન સમજો નોખી,
આપણા દફતર, આપણી ફાઈલ, એ જ દશા છે ચોખ્ખી;
ઘુવડ તો આખો દિવસ ઊંઘે, રાતે ગણે ગજવાં,
ને ચકલી જેવી પ્રજા ઊભી, બાંધી હાથ — ‘સાહેબ!’
વડલે ખોલી ઑફિસ…
– પરાગ રતનપરા