જીવનના જીવન
હે જીવનના જીવન, તારું કોમળ અજવાળું ઓઢું,
તારી સામે ઊભો રહું તો મારું મન ન ઢોળું.
આંખો રાખું નિર્મળ એવી, તું જ એમાં ઝળકે,
વાણી રાખું મીઠી એવી, તું જ એમાં મલકે;
શ્વાસે શ્વાસે તારું નામ, હું શું બીજું બોલું?
હે જીવનના જીવન…
હાથે મારા કામ કરું ને ફળ તને સોંપી દઉં,
ખેતર, ખળું, કારખાનું, બધે તને જોઈ લઉં;
પરસેવાના મોતી લઈ હું તારું મંદિર ખોલું…
હે જીવનના જીવન…
પરાગ કહે: આ દેહ નથી, આ તારો દીવો છે,
તેલ પૂરે તું, વાટ વણે તું, જ્યોત ય તારી જ છે;
તું જ ઝળહળે, ત્યારે હું પણ ભાવે ભાવે ડોલું…
હે જીવનના જીવન…
– પરાગ રતનપરા