ભણાવે છે
ઘરે જેનું નથી ચાલ્યું, સમજદારી ભણાવે છે,
બદલતો પક્ષ દર વર્ષે, વફાદારી ભણાવે છે.
હજી હપ્તા ભરે છે જે ઉધારીના ઘણા વર્ષો,
ફરે મોલે, બધાને એ ખરીદારી ભણાવે છે.
બધે નિષ્પક્ષ હોવાનાં લગાવી પાટિયાં જાતે,
ગળું ફાડી, બની એંકર, તરફદારી ભણાવે છે.
ચડાવે પિત્તળે સોનું, ઠગે છે ગામ આખાને,
બજારે એ જ સાચાને ચમકદારી ભણાવે છે.
પરાગે જિંદગી આખી ઘુવડ-મોઢું ચડાવ્યું’તું,
હવે હસતાં હસાવીને મજેદારી ભણાવે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ઉપદેશક #દંભ #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Hypocrisy #FreeAdvice #Humour #ParagRatanpara