જીવન થાજો
મારું જીવન કોઈ થાકેલાનો વિસામો થાજો,
મારો બોલ કોઈ રડતાને હસવાનો દિલાસો થાજો…
ભૂખ્યાને ભાણું થાજો, ને તરસ્યાને પરબ,
નોંધારાનો આધાર થાજો, ના પૂછું કોઈ મતલબ;
મારી ઝૂંપડીનો દરવાજો સૌને ખુલ્લો થાજો…
મારું જીવન…
અંધારે અટવાય પથિક, તો દીવડો થઈને બળું,
વેર કરે જો કોઈ, તો પણ પ્રેમ થઈને મળું;
મારી આંખનું એક આંસુ કોઈનો ભાર હળવો થાજો…
મારું જીવન…
પરાગ કહે: આ ફૂલ ખરે ત્યાં ફોરમ પાછળ રહેજો,
નામ ન રહે તો ભલે, પણ સુગંધ સૌને દેજો;
મારું મરવું પણ કોઈનું જીવતર ઉજળું થાજો…
મારું જીવન…
– પરાગ રતનપરા