← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાનું ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બે જણ ને એક ઓરડી, ને બારીમાં એક ચાંદ,
ઘર નાનું, પણ હૈયે ઝાઝો ઝળહળતો આનંદ…

એક જ થાળી, એક જ પ્યાલો, ચા પણ અડધી અડધી,
તારા હાથની રોટલી, મારી વાતો ખાટી-કડવી;
ભૂખ ભાંગે બેઉની, ને વધે પ્રેમનો સ્વાદ…
બે જણ ને…

વરસાદે છત ટપકે, ત્યાં મૂકીએ વાટકા ચાર,
ટપ ટપ ટપ સંગીત વાગે, જાગી જાય સિતાર;
ભીંજાયેલાં બે જણ ગાતાં, ભૂલી સઘળો વિષાદ…
બે જણ ને…

પરાગ કહે: આ ઘરની ભીંતો ભલે ને નાની નાની,
પણ એમાં માય છે આખી બેઉ જણની કહાની;
મોટા ઘરમાં પડઘા પડે, અહીં પડે છે સાદ…
બે જણ ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજીવન થાજોઆગલો લેખ →નગર એટલે