જન્મદિવસ
આજે મારો જન્મદિવસ છે.
આયુષ્યના ઝાડ પરથી
એક પાન
ચુપચાપ ખરી પડ્યું.
લોકોએ મીણબત્તી સળગાવી,
ને મને ફૂંક મારવા કહ્યું.
મેં ફૂંક મારી —
મીણબત્તી ઠરી ગઈ,
સૌએ તાળી પાડી.
કોઈએ ન જોયું
કે એ ફૂંક સાથે
મારા ભીતરનું
એક વરસ પણ ઠરી ગયું.
રાતે
બા ફોન કરે છે:
‘જમ્યો?’
ને મને સમજાય છે —
વરસો ખરે છે,
પણ એક ડાળી
હજી મને ઝાલીને બેઠી છે.
– પરાગ રતનપરા