← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જન્મદિવસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજે મારો જન્મદિવસ છે.

આયુષ્યના ઝાડ પરથી
એક પાન
ચુપચાપ ખરી પડ્યું.

લોકોએ મીણબત્તી સળગાવી,
ને મને ફૂંક મારવા કહ્યું.

મેં ફૂંક મારી —
મીણબત્તી ઠરી ગઈ,
સૌએ તાળી પાડી.

કોઈએ ન જોયું
કે એ ફૂંક સાથે
મારા ભીતરનું
એક વરસ પણ ઠરી ગયું.

રાતે
બા ફોન કરે છે:
‘જમ્યો?’

ને મને સમજાય છે —
વરસો ખરે છે,
પણ એક ડાળી
હજી મને ઝાલીને બેઠી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપ્રેમ, તને પૂછુંઆગલો લેખ →ભૂલી ગયો