← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇશ્યુ નહીં થયેલી ચોપડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામના ગ્રંથાલયમાં
છેલ્લા કબાટના છેલ્લા ખાનામાં
એક કવિની ચોપડી છે.

પાછળના કાર્ડ પર
છેલ્લી તારીખ છે —
સત્તાવીસ વર્ષ પહેલાંની.

કવિ ગયા,
પ્રકાશક ગયા,
ને જેણે છેલ્લી વાર વાંચી
એ પણ કદાચ ગયા હશે.

આજે મેં એ ચોપડી ખોલી.
પહેલા જ પાને
એક સુકાયેલું ગુલમોરનું ફૂલ
દબાયેલું પડ્યું હતું.

કવિ, તમે ક્યાં છો?
— એવું પૂછવાની જરૂર ન રહી.
તમે ત્યાં જ હતા:
કોઈકે તમને વાંચીને
પોતાનું સૌથી નાજુક
તમારા પાનામાં મૂકી દીધું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવાડ પાસેનું બાળકઆગલો લેખ →પાછો ગામ ગયો