← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇચ્છારાણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઇચ્છારાણી પધાર્યાં છે!
ઢોલ વગાડો, તોરણ બાંધો —
પહેલાં એમને સાઇકલ જોઈતી હતી,
પછી સ્કૂટર,
પછી ગાડી,
હવે એવી ગાડી જોઈએ છે
જે પડોશીની ગાડી કરતાં
એક ફૂટ લાંબી હોય.

ઇચ્છારાણીને
ઘર નહીં, ‘ટુ બીએચકે’ જોઈએ,
પછી ‘થ્રી’,
પછી ‘પેન્ટહાઉસ’,
જેની અગાસીએથી
આખું શહેર નાનું દેખાય.

હપ્તા ભરતાં ભરતાં
હું નાનો થતો ગયો,
ને ઇચ્છારાણી મોટાં.

ગઈ કાલે મેં પૂછ્યું:
‘બસ? હવે તો રાજી?’
એ ખડખડાટ હસ્યાં:
‘ગાંડા!
હું રાજી થઈ જાઉં
તો મારું નામ કોણ યાદ રાખે?’

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખરંગોળીઆગલો લેખ →ચાકડો