ઇચ્છાનો માળો
પાંચ વરસની દીકરીએ
બાલ્કનીમાં
સળીઓ ભેગી કરી
માળો બનાવ્યો.
‘ચકલી આવશે,’ એ બોલી.
ચકલી ન આવી.
બીજે દિવસે
એણે માળામાં
બિસ્કિટનો ભૂકો મૂક્યો,
પાણીનું ઢાંકણું મૂક્યું,
ને ઢીંગલીનો રૂમાલ પાથર્યો.
ચકલી તો ન જ આવી.
પણ મને સમજાયું —
ઇચ્છા પણ
આમ જ માળો બાંધે છે:
ખાલી,
ને છતાં
સૌથી વધુ સજાવેલો.
– પરાગ રતનપરા