હું સ્ત્રી છું
ચૂલે બળું ને તો ય ઠારું છું ઘર,
હું સ્ત્રી છું, સાહેબ, હું સ્ત્રી છું સભર!
સવારે ઊઠું તો આંગણ વાળું,
સાંજે ઢળું તો દીવો બાળું;
વચ્ચેના કલાકોનો હિસાબ ન માગો,
એમાં તો ઓગળ્યું આખું અજવાળું;
મારાં સપનાંને મેં ઘડીમાં વાળ્યાં,
જેમ વાળે છે કોઈ ભીનું વસ્તર…
હું સ્ત્રી છું, સાહેબ, હું સ્ત્રી છું સભર!
દીકરી થઈ તો ઘર પારકું કહ્યું,
વહુ થઈ તો પિયર પાછળ રહ્યું;
મા થઈ તો ખોળો આખો ખોલ્યો,
ને મારું કશું ય ના મારું રહ્યું;
તો ય કહું છું, ના ફરિયાદ કોઈ,
આંસુ પણ મેં રાખ્યાં છે ભીતર…
હું સ્ત્રી છું, સાહેબ, હું સ્ત્રી છું સભર!
પરાગ કહે, એને ફૂલ ન કહેજો,
ફૂલ તો ખરે છે એક જ સવારે;
એ તો છે ધરતી, જે ખેડાય રોજ,
ને તોય ઉગાડે છે લીલાં લહેરે;
પૂજા ન માગે, બસ માન જરા દેજો,
એ પણ છે માણસ, ન કોઈ પથ્થર…
હું સ્ત્રી છું, સાહેબ, હું સ્ત્રી છું સભર!
– પરાગ રતનપરા