સમજાય તો
જિંદગીનો સાર તો બસ આટલો સમજાય તો,
બાપનો ખાલી પડેલો ખાટલો સમજાય તો.
ના વકીલો, ના દલીલો, ના કચેરીનો હિસાબ,
ગામની સાચી અદાલત ઓટલો સમજાય તો.
કોઈ ભૂખ્યા છોકરાએ એક દી ફેંક્યો હતો,
આજ આંબો છાંયડો દે, ગોટલો સમજાય તો.
સૌ જમી લે એ પછી બા એકલી બેસી જમે,
એ રસોડાનો ઘસેલો પાટલો સમજાય તો.
આ ‘પરાગે’ મ્હેકનું પણ મૂલ્ય માંગ્યું ના કદી,
ફૂલનો ખરવો ય ઉત્સવ કેટલો, સમજાય તો!
– પરાગ રતનપરા
#ગઝલ #સમજણ #પિતા #ગામડું #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #WisdomOfLife #Father #VillageLife #MothersSacrifice #ParagRatanpara