હું જાઉં ત્યારે
હું જાઉં ત્યારે આંસુ ન સારજો, ગાજો મારાં ગીત,
ઓટલે બેસી ચા પીજો, ને કરજો હસતી પ્રીત.
મારી ચોપડીઓ વહેંચી દેજો ગામની નિશાળે,
મારો ખાટલો આપી દેજો, કોઈ ઘરડું ભાળે;
કલમ મૂકજો ખુલ્લી, એ જ હતી મારી રીત…
હું જાઉં ત્યારે…
ના કરજો મોટી સભા, ને ના મૂકજો તસવીર,
એક છોડ વાવી દેજો, ને સીંચજો એને નીર;
ફૂલ ખીલે ત્યારે માનજો, હું પાછો આવ્યો, મીત…
હું જાઉં ત્યારે…
પરાગ કહે: મૃત્યુ તો છે એક ઓરડેથી બીજે જાવું,
શ્વાસ છોડી શબ્દે રહેવું, મ્હેકે મ્હેકે ગાવું;
જ્યાં સુધી કોઈ ગીત ગણગણે, ત્યાં સુધી મારી જીત…
હું જાઉં ત્યારે…
– પરાગ રતનપરા