તાર તૂટ્યો
જીવનનો એક તાર તૂટ્યો રે, સૂર મળે ના,
સાજ ઘણાં વગાડ્યાં, તોય ગીત ભળે ના.
બાળપણે ઢોલ ને ત્રાંસાં, નાચે આખું ગામ,
જવાનીમાં શરણાઈ ગુંજે, પ્રીતનો મીઠો જામ;
હવે ઘડપણમાં સૌ સાજ ચૂપ, કોઈ સાંભળે ના…
જીવનનો એક તાર…
દીકરા પરદેશે ઊડ્યા, દીકરી સાસરિયે,
પત્ની પણ ચાલી ગઈ, હું એકલો આ ઓસરિયે;
રેડિયો પર જૂનું ગીત વાગે, ત્યાં આંસુ ઝાલ્યાં રહે ના…
જીવનનો એક તાર…
પરાગ કહે: તૂટેલા તાર પર પણ ગીત ઉતારો,
જે સૂર બચ્યા, એ જ ગાઓ, એ જ ખરો સહારો;
ઈશ્વર સાંભળે બેસૂરું પણ, જો હૈયે કપટ ભળે ના…
જીવનનો એક તાર…
– પરાગ રતનપરા