હું હસાવું છું
લગાવી રંગ ગાલે ને, જગતને હું હસાવું છું,
ગળીને સૌ દરદ ભીતર, નગરને હું હસાવું છું.
ઘરે બીમાર છે બેટી, દવા માટે ન પૈસા છે,
છતાં રોજે અહીં આવી, દરદને હું હસાવું છું.
ગયાં મા, તાર આવ્યો ત્યાં, હજી શો ચાલતો’તો ને,
રડું ભીતર, અને હસતો, મરણને હું હસાવું છું.
થયો ઘરડો, હવે ગાલે કરચલીઓ, નમી કાયા,
છતાં બચપણ બનીને આ હૃદયને હું હસાવું છું.
પરાગે રંગલો થઈને, ખરીને પણ ન રોવાનું,
સુગંધી થઈ હવે આખા પવનને હું હસાવું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #રંગલો #જોકર #વેદના #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #TheClown #TearsBehindSmile #HiddenPain #Laughter #ParagRatanpara