હિસાબ
હૉસ્પિટલની લાઇનમાં
સિત્તેર વરસની એક સ્ત્રીએ
મારી સામે જોયું,
ચશ્માં સરખાં કર્યાં,
ને પૂછ્યું:
‘તું… બાલમંદિરમાં
મારી પાટી ભૂંસી નાખતો, એ જ ને?’
મેં કહ્યું: ‘હા.’
એ હસી: ‘હજી ગુસ્સો છે.’
પછી અમે બંને
રિપોર્ટની ફાઇલો ખોળામાં રાખી
પાંસઠ વરસ પાછળ દોડ્યાં —
આંબલી, લખોટી, વરસાદ,
માસ્તરની સોટી,
કોણ ક્યાં ગયું,
કોણ હવે નથી.
નર્સે નામ બોલાવ્યું.
એ ઊભી થઈ,
ને જતાં જતાં
મારા હાથમાંથી મારી ફાઇલ લઈ
એના પર
આંગળીથી
કંઈક ભૂંસવાનો
ડોળ કર્યો.
હિસાબ
પૂરો થયો.
– પરાગ રતનપરા