કેસૂડો
કેસૂડો ફૂલ્યો રે વનમાં, ફાગણ લાવ્યો ફાગ,
કોઈ લગાડો રંગ, નહીં તો લાગી જાશે આગ!
ખાખરે ખાખરે દીવા સળગ્યા, ડુંગર થ્યા કેસરિયા,
પવન ચડ્યો પીચકારી લઈને, ભીંજવ્યાં સીમ ને ફળિયાં;
મનના માળે કોયલ બોલી, જાગ્યા જૂના રાગ.
કેસૂડો ફૂલ્યો રે…
ભાભી નાખે અબીલ-ગુલાલ, ને દિયર ભાગે છાને,
ગોરી ઢાંકે મોઢું પાલવે, રંગ પહોંચે કાને;
સાજન બેઠો દૂર વિદેશે, કોણ ઉડાડે પાઘ?
કેસૂડો ફૂલ્યો રે…
પરાગ કહે: આ રંગ તો ઊતરે, ધોઈ નાખો પાણી,
પણ જે રંગ ચડે ભીતર, એ ભૂંસાય ન, રાણી;
એ રંગે જે રંગાઈ જાય, એના મોટા ભાગ.
કેસૂડો ફૂલ્યો રે વનમાં…
– પરાગ રતનપરા