હીંચકાનું કડું
જૂના ઘરની
ઓસરીના મોભમાં
હજી
હીંચકાનું કડું
લટકે છે.
હીંચકો તો
દાદા ગયા એ વરસે
ભંગારમાં વેચાઈ ગયો.
પણ કડું
કોઈએ ઉતાર્યું નહીં —
કદાચ
ઉતારવા જેટલું
કોઈ ઊંચું થયું જ નહીં.
હવે
વેકેશનમાં
શહેરથી આવતાં
મારાં બાળકો
પૂછે છે:
‘પપ્પા, આ શેનું છે?’
હું કહું છું:
‘સમયનું.
એ અહીં
આગળ-પાછળ
ઝૂલતો હતો.’
– પરાગ રતનપરા