હવે બોલો
ગળું રૂંધાય ને સળગી રહી આશા, હવે બોલો,
ભલે તૂટે, ભલે ફૂટે, ખરી ભાષા, હવે બોલો.
બજારે સત્ય વેચાયું, ખરીદ્યું ન્યાય ભાવે પણ,
હજી ક્યાં લગ સહેશો આ નવા ઝાંસા, હવે બોલો.
સભામાં ચીર ખેંચાતાં, હતા મૂંગા વડીલો સૌ,
હજી ચોપાટ ખેલાતી, ફરી પાસા, હવે બોલો.
નદી પર બંધ બાંધીને, ઉગાડ્યા મ્હેલના બાગો,
તરસતાં ગામ ને ઢોરાં, બધાં પ્યાસા, હવે બોલો.
પરાગે પાંદડે લખ્યું, પવન લઈ જાય ઘર ઘરમાં:
બજે છે ગામ ગામે ક્રાંતિના તાસા, હવે બોલો.
– પરાગ રતનપરા
#ગઝલ #સત્ય #અવાજ #અન્યાય #જાગૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #SpeakUp #Truth #Injustice #Awakening #ParagRatanpara