હથેળીમાં
ધરા ખેડી, પસીનો દઈ, પછી દાણું હથેળીમાં,
હિસાબે શેઠના ખાતે, હવે કાણું હથેળીમાં.
ગયો બેટો નગર, ને ફોન પર બે-ચાર વાતો, બસ,
દિવાળીએ ધરે છે એ જરા નાણું હથેળીમાં.
ઝુલાવી પારણું બાએ, થપાટે તાલ દઈ દઈને,
હજી પણ કાનમાં ગુંજે સદા ગાણું હથેળીમાં.
સવારે ભીંત પર થાપી, સુકાવે બા ઉમળકાથી,
હજી ચૂલે બળે, થાપેલ એ છાણું હથેળીમાં.
ભલે ફૂલો ખરી પડશે, ભલે ડાળી સુકાશે, પણ
પરાગે મ્હેકવું છે, જો મળે ટાણું હથેળીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ખેડૂત #ગામડું #મા #ગરીબી #પરાગરતનપરા
#GujaratiGhazal #FarmersLife #VillageLife #Mother #Poverty #ParagRatanpara