ચોરપગલે યાદ
ચોરપગલે આવે તારી યાદ, રે સાજન,
ને ઓશીકે વરસે આખો વરસાદ, રે સાજન.
દિવસે તો હું હસતી ફરું, કામે ઘરને ખૂણે,
સાંજ પડે ને આંખ ભરાય, કોઈ ન જાણે, સુણે;
ચૂલે રોટલો બળી જાય, ને ના આવે સ્વાદ, રે સાજન…
ચોરપગલે આવે…
સખીઓ પૂછે: ‘કેમ આમ ગુમસુમ?’ હું કહું: ‘તાવ,’
મા પૂછે: ‘કંઈ દુખે છે?’ હું ઢાંકું મનનો ઘાવ;
કોને કહું કે હૈયામાં ચાલે છાનો સંવાદ, રે સાજન…
ચોરપગલે આવે…
પરાગ કહે: મ્હેક છુપાવો, ફૂલ ભલે સંતાય,
વાયુ લઈને ગામ આખામાં ભેદ દઈ આવે, જાય;
ગામ કરે છે ગુસપુસ, ને મનમાં મીઠો વિષાદ, રે સાજન…
ચોરપગલે આવે…
– પરાગ રતનપરા