હપ્તા ભરું
જિંદગીભર હું અહીં બસ કારના હપ્તા ભરું,
સાંજ પડતાં શ્રીમતીના પ્યારના હપ્તા ભરું.
ફ્લેટ, ગાડી, ફોન, ટીવી, આમ સઘળું લોન પર,
હું ય મારી પીઠના આ ભારના હપ્તા ભરું.
તાર આવ્યો ગામથી, પણ ના રજા આપી સરે,
આંસુઓથી રોજ એના તારના હપ્તા ભરું.
ઊંઘ ગીરે, સ્વપ્ન ગીરે, ચાંદની ગીરે અહીં,
ઊંઘમાં પણ જાગતો રવિવારના હપ્તા ભરું.
આયખું આખું ઉધારે, તોય થાકું ના, ‘પરાગ’,
અંતમાં ફોટા ઉપરના હારના હપ્તા ભરું.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #હપ્તા #લોન #મધ્યમવર્ગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #EMILife #MiddleClass #DebtTrap #ParagRatanpara