← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાર રસ્તાના બાપુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાર રસ્તા વચ્ચે
બાપુ ઊભા છે —
સિમેન્ટના, લાકડી સાથે.

વરસમાં બે વાર
એમને નવડાવાય છે,
સુતરની આંટી પહેરાવાય છે,
નેતાજી ફોટો પડાવે છે
ને ભાષણમાં કહે છે:
‘આપણે બાપુના માર્ગે ચાલવાનું છે.’

પછી
આખું વરસ
એ જ માર્ગ પરથી
લાલ બત્તીવાળી ગાડીઓ
સાયરન વગાડતી
સડસડાટ નીકળી જાય છે.

કબૂતરો બાપુના માથે બેસે છે,
કાગડા ચશ્માં પર ચાંચ ઘસે છે,
ને નીચે
એક છોકરો
બાપુના જ પડછાયામાં
ગાંધીછાપ નોટ માટે
હાથ લંબાવે છે.

બાપુ કશું બોલતા નથી.
એમણે તો કહી દીધું હતું —
‘મારું જીવન એ જ મારો સંદેશ.’
આપણે
પૂતળું રાખી લીધું,
સંદેશ
ભંગારમાં વેચી દીધો.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખખરખરોઆગલો લેખ →હપ્તા ભરું