હજી ચાલે છે
ડૉક્ટરે સ્ટેથોસ્કોપ કાઢીને
કહ્યું:
‘બધું બરાબર છે.
ધબકારા નિયમિત છે.’
હું હસ્યો.
એને ક્યાં ખબર છે —
આ ધબકારા તો
ટેવવશ ચાલે છે,
જેમ બંધ પડેલા કારખાનાનું
સાયરન
હજી રોજ સવારે આઠ વાગ્યે
વાગે છે,
ને કોઈ આવતું નથી.
હૃદય ચાલે છે, સાહેબ;
એમાં રહેનારું
ક્યારનું
ઘર ખાલી કરીને ગયું.
– પરાગ રતનપરા