હાલો ગિરનાર
હાલો ગિરનાર, હાલો ગિરનાર, અલખનો મેળો ભરાય,
ભભૂતી ચોળી, ધૂણી ધખાવી, સાધુ ગાતા જાય.
દસ હજાર પગથિયાં ચડતાં, પગ થાકે, મન નહીં,
દાતારની ટેકરીએ પવન પૂછે: ‘આવ્યો ક્યાં તું સહી?’
ભવનાથના ભજનમાં આખી રાત ઓગળતી જાય…
હાલો ગિરનાર…
નાગા બાવા, જોગી, જતિ ને સંસારી સૌ સાથ,
કોઈ ન પૂછે નામ ઠામ, સૌ ઝાલે સૌનો હાથ;
અંબાજીના શિખરે ચડતાં આભ હાથમાં આય…
હાલો ગિરનાર…
પરાગ કહે: આ ગિરિ જેવો સ્થિર રાખજે મનનો મોર,
માયાની તળેટી છોડી, ચડજે ભીતરની કોર;
ટોચે ગુરુ દત્તાત્રેય બેઠા, મૌન મલકતું થાય…
હાલો ગિરનાર…
– પરાગ રતનપરા