← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હૉસ્પિટલની રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આઈ.સી.યુ.ની બહાર
લાંબી પરસાળ છે,
ટ્યૂબલાઇટ ઝબકે છે,
ને બાંકડા પર
અમે અજાણ્યા લોકો
પોતપોતાનો ભય લઈને બેઠા છીએ.

ભીતર બાપુજી છે.
ડૉક્ટર કહે છે: ‘આજની રાત કાઢી નાખે તો…’

રાતના ત્રણ વાગે
બાજુના બાંકડા પરથી
એક ઘરડો માણસ ઊઠ્યો,
થર્મૉસમાંથી
કાગળના કપમાં ચા રેડી,
ને મારી સામે ધરી.

કશું બોલ્યો નહીં.
મેં પણ કશું પૂછ્યું નહીં.

સવારે
બાપુજીએ આંખ ખોલી.

એ માણસ ક્યાં ગયો,
ખબર નથી.
પણ આજે પણ
અંધારી રાતોમાં
મને એ ચાની વરાળ દેખાય છે —
જાણે કોઈએ
હૈયાધારણ
કપમાં ભરીને આપી હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખયુદ્ધમાંઆગલો લેખ →સુગંધ