← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગૃહિણીનું દર્શનશાસ્ત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ ઉપનિષદ નથી ભણી,
પણ દાળમાં મીઠું
કેટલું નાખવું
એનું માપ
એની આંગળીઓ જાણે છે.

“ઈશ્વર ક્યાં છે?”
એવો પ્રશ્ન
એને ક્યારેય થયો નથી,
કારણ કે
સવારે પાંચ વાગ્યે
દૂધ ઊભરાઈ ન જાય
એની ચિંતા
એનું ધ્યાન છે.

ઘરનાં સાત જણ
સાત જાતનું ખાય છે,
સાત જાતનું બોલે છે,
સાત જાતે રિસાય છે —
એ બધાંને
એક થાળીએ બેસાડવાની કળા
કોઈ દર્શનશાસ્ત્રમાં
લખાઈ નથી.

રાત્રે
બધાં સૂઈ જાય પછી
એ રસોડાનું પ્લૅટફૉર્મ લૂછતાં
ધીમેથી પૂછે છે:
“મારે માટે કંઈ બચ્યું છે?”

જવાબમાં
તપેલીના તળિયે
થોડી ખીચડી હોય છે,
ને આખો સંસાર
એ કોળિયામાં
સમાઈ જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવેરણ વાંસળીઆગલો લેખ →યાદ છે ને?