ગોવર્ધન
ઇન્દ્ર ખિજાયો,
આભ ફાટ્યું,
ને કાનાએ
ટચલી આંગળીએ
પર્વત ઊંચક્યો.
આજે
મારા ગામ પર
મોંઘવારીનો મેહ વરસે છે,
હપ્તાની વીજળી પડે છે,
દેવાની નદી
ઉંબર સુધી ચડી આવી છે.
હું આંગળી ઊંચી કરીને
આભ સામે
રાહ જોઉં છું.
પણ કાનો કદાચ જાણે છે:
પર્વત ઊંચકવા
એક આંગળી નહીં,
આખું ગામ જોઈએ —
એ દિવસે પણ
ગોવાળોની લાકડીઓ
પર્વત નીચે
ટેકો દઈને ઊભી હતી.
– પરાગ રતનપરા