ગોવાલણ
એને રડવું હતું.
પણ સવારે ચાર વાગ્યે
ભેંસ દોહવાની હતી,
છ વાગ્યે દૂધ ભરવા જવાનું હતું,
આઠે છોકરાંનાં ટિફિન,
દસે સાસુની દવા,
બારે ખેતરે ભાથું.
એણે આંસુને કહ્યું:
‘સાંજે આવજે.’
સાંજે
ગાયો ઘેર આવી,
ધણી ઘેર આવ્યો,
છોકરાં ઘેર આવ્યાં.
આંસુ ન આવ્યું.
રાતે
બધાં સૂઈ ગયાં
ત્યારે એ
ગમાણમાં જઈ
ગાયની ડોકે
માથું મૂકીને બેઠી.
ગાયે
એની આંખ ચાટી —
જાણે કહેતી હોય:
‘લે, હું તારું આંસુ
દોહી લઉં છું.’
– પરાગ રતનપરા