ગોટલી
દાદાએ
મારા ખિસ્સામાં
એક કેરીની ગોટલી મૂકી હતી —
‘વાવજે, બેટા.’
હું ભણ્યો,
નોકરીએ ચડ્યો,
ત્રણ શહેર બદલ્યાં,
ચાર ઘર.
ગોટલી
દરેક વખતે
એક ખિસ્સામાંથી બીજા ખિસ્સામાં
ખસતી રહી.
ક્યારેય વાવી નહીં.
પણ હમણાં હમણાં
મારાં બાળકો
મારી પાસે બેસે છે,
તો કહે છે:
‘પપ્પા, તમારી પાસે
ઠંડક લાગે છે.’
લાગે છે,
ગોટલી
મારી અંદર જ ઊગી ગઈ છે.
– પરાગ રતનપરા