← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગિલોલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાર વરસનો હતો ત્યારે
મારી ગિલોલનો કાંકરો
એક ચકલીને વાગ્યો.
એ લીમડા પરથી
પાંદડું ખરે એમ ખરી પડી.
ભાઈબંધોએ તાળી પાડી — ‘નિશાન પાકું!’

પછી પચાસ વરસ વીત્યાં.

હવે રોજ સવારે
અગાસી પર
ચોખાના દાણા વેરું છું,
માટીના કૂંડામાં પાણી ભરું છું.

ચકલીઓ આવે છે,
ચણે છે,
ઊડી જાય છે.
કોઈ મને ઓળખતું નથી.

પણ હું રોજ ગણું છું —
એક ઓછી પડે છે.
પચાસ વરસથી
એક જ ઓછી પડે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતિરંગોઆગલો લેખ →કલમ