← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘેટાંપુરાણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે ઘેટાં છીએ.
અમને ઉઠાડવામાં વાર લાગે,
પણ એક વાર ઊઠીએ
પછી આગળવાળાની પૂંછડી
કદી છોડતાં નથી.

આગળવાળો ખાડામાં પડે
તો અમે પણ પડીએ —
એને અમે ‘પરંપરા’ કહીએ છીએ.

આગળવાળો ફોન પર કંઈ ફૉરવર્ડ કરે
તો અમે પણ કરીએ —
એને અમે ‘જાગૃતિ’ કહીએ છીએ.

ચૂંટણી આવે ત્યારે
ભરવાડ નવી લાકડી લઈ આવે,
અમે તાળી પાડીએ —
એને અમે ‘લોકશાહી’ કહીએ છીએ.

એક દિવસ ટોળામાંથી
એક ઘેટું અટકી ગયું,
ઊંચું જોયું,
ને બોલ્યું: ‘આપણે જઈએ છીએ ક્યાં?’

અમે બધાંએ એને
ત્યાં ને ત્યાં
ટોળામાંથી બહાર કાઢી મૂક્યું.

સવાલ પૂછે
એ ઘેટું થોડું કહેવાય?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદીવો મૂકી જાજોઆગલો લેખ →બસ થશે