← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘર એટલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘર એટલે
ચાર ભીંત અને છાપરું નહીં.

ઘર એટલે
સાંજે
પગ આપમેળે
જે દિશામાં વળે
તે દિશા.

ઘર એટલે
જ્યાં ચંપલ
ઉતાવળે ઉતારી શકાય
ને ઊંધાં પડે તોય
કોઈ ન કહે.

ઘર એટલે
જ્યાં ભૂખ
બોલ્યા વિના
સમજાઈ જાય.

ઘર એટલે
એક બારણું
જે બહારથી
ગમે એટલું સાદું હોય,
અંદરથી
હંમેશાં
ખુલ્લું રહે.

રસ્તો પૂરો થાય
ત્યાં મંઝિલ નથી હોતી, દોસ્ત;
જ્યાં કોઈ
રાહ જોતું હોય,
ત્યાં રસ્તો પૂરો થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગયું તો ગયુંઆગલો લેખ →દીકરીની વિદાય