← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડિયાળી કાકા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામના ચોકમાં
ઘડિયાળ રિપેર કરનાર
કરસનકાકા બેસતા —
પચાસ વર્ષથી.

લોકો બંધ ઘડિયાળો લાવે,
કાકા આંખે કાચ ચડાવી
ઝીણા ઝીણા દાંતા ગોઠવે,
ને સમય ફરી ચાલતો થાય.

એક દિવસ મેં પૂછ્યું:
‘કાકા, તમારી ઉંમર કેટલી?’
કાકા હસ્યા:
‘બીજાનો સમય ચાલુ કરતો રહ્યો,
મારો ક્યારે ચાલ્યો ગયો,
ખબર જ ના પડી.’

આજે દુકાન બંધ છે.
પણ ગામનાં ઘરોમાં
સેંકડો ઘડિયાળો
ટક ટક ચાલે છે —
જાણે કાકાનો સમય
હજી
બીજાનાં કાંડે ધબકતો હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજગાડી ગયુંઆગલો લેખ →જીવી ગયા