ઘડપણ
ઘડપણ એટલે
ચશ્માં પહેરીને
ચશ્માં શોધવાં.
ઘડપણ એટલે
દવાની ગોળી
સમયસર લેવી,
ને દીકરાનો ફોન
સમય વગર આવે, તોય રાજી થવું.
ઘડપણ એટલે
જૂની વાત
ચોથી વાર કહેવી,
ને ચોથી વાર પણ
પૌત્રનું ‘હં’ સાંભળવું —
જાણે પહેલી વાર કહી હોય.
ઘડપણ એટલે
આખું ઘર ભરેલું હોય,
ને વાત કરવા
ફક્ત
ટીવી હોય.
– પરાગ રતનપરા