ગઝલની લત
કોઈ ચા પીએ, કોઈ પાન ખાય, કોઈને ગમે સોપારી,
મને તો લાગી ગઝલની લત, ઊંઘ ગઈ છે મારી!
બૈરી કહે: ‘શાક લાવો,’ ને હું લાવું રદીફ-કાફિયા,
બજારમાંથી પાછો આવું, ખાલી થેલી, હાથમાં કાગળિયાં;
ભીંડાને બદલે ભમરાના ગુંજનની કરી ખરીદારી…
મને તો લાગી ગઝલની લત…
ઑફિસમાં હું ફાઇલ ખોલું, શેર ઊગે ત્યાં ફાઇલમાં,
બૉસ કહે: ‘આ શું લખ્યું છે?’ હું બોલું: ‘વાહ, સ્ટાઇલમાં!’
પગાર કપાયો, તોય હૈયે મુશાયરાની તૈયારી…
મને તો લાગી ગઝલની લત…
પરાગ કહે: આ નશો અનોખો, ના કોઈ દવા ઉતારે,
એક ‘દુબારા’ સાંભળવા તો માણસ આખી રાત ગુજારે;
જીવતર આખું વેચી દીધું, ખરીદી એક ‘વાહ’ સારી…
મને તો લાગી ગઝલની લત…
– પરાગ રતનપરા