ચા આપતો
ફી ભરી ના, ને નિશાળે માસ્તરે ચા આપતો,
દફતરો તાક્યા કરે ને ઉંબરે ચા આપતો.
ગામના નેતા પધાર્યા, ભાષણો શિક્ષણ વિશે,
છોકરો એ મંચ પાસે અવસરે ચા આપતો.
ભક્તની ભીડો ઘણી, ને દાનનાં ધન પણ ઘણાં,
એ ય ભૂખ્યે પેટ ઊભો મંદિરે ચા આપતો.
ઠેઠ મધરાતે થતી’તી કામની એની રજા,
ઊંઘમાં પણ એ સપનના ભીતરે ચા આપતો.
આ પરાગે શેર લખ્યા બાળકો માટે ઘણા,
આજ પણ એ બાળ એના પાંજરે ચા આપતો.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળમજૂરી #ગરીબી #શિક્ષણ #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #ChildLabour #Poverty #RightToEducation #SocialReality #ParagRatanpara